
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લાશોના ઢગલા પથરાયેલા હતાં. નશામાં ચકચૂર થઈને આડેધડ થયેલાં નરસંહાર અને મરણચીસોની તીવ્રતા હજુ પણ પેટાળ ચીરીને વાતાવરણમાં પડઘાઈ રહી હતી. આકાશનો રંગ બદલાઈને રક્તવર્ણો થઈ ગયો હતો. વિખેરાઈ ચૂકેલાં સંબંધો અને ધૂંધળી થઈ ચૂકેલી આવતીકાલ રણભૂમિમાં વિલાપ કરી રહ્યા હતાં. એમનું મૂક રૂદન સમગ્ર આર્યાવર્તને બોઝિલ બનાવતું હતું.
તલવાર, ભાલા, કટાર, ફરસી, ઝેરીલા તીર સહિતના તમામ ઘાતક શસ્ત્રો યુદ્ધભૂમિ પર આમથી તેમ ગોથાં ખાઈ રહ્યા હતાં. સ્વજનોના હાથે સંબંધોમાં થયેલાં છેદ-વિચ્છેદને કારણે તેમની તેજસ્વિતા જાણે હણાઈ ચૂકી હતી. વર્ષોથી ચાલી રહેલાં આ સંહારમાં હજુ કેટલા ખપ્પર હોમાશે એ નક્કી કરવું અઘરું હતું.
દિતિનું કાળજું કલ્પાંત કરી રહ્યું હતું. પોતાના નીચલા હોઠને દાંત વડે ભીંસીને તેણે અશ્રુના ઘોડાપૂરને કાબૂમાં રાખ્યા હતાં. એના મૃદુ હોઠ પરથી લોહી વહેવાનું ક્યારે શરૂ થયું એની દિતિને સૂધબૂધ ન રહી. દૈત્યવંશના લોહી નીતરતાં મૃતદેહો અને અંતિમ શ્વાસ ગણી રહેલાં મૃતઃપાય સંતાનોના ઢગ વચ્ચેથી પસાર થનારી કેડી દિતિને અત્યંત દુર્ગમ પ્રતીત થઈ રહી હતી. આમ છતાં મન પર ભારે ભરખમ શિલા મૂકીને તેણે સાચવીને ચાલવાનું શરૂ કર્યુ.
ક્યાંક ધડથી અલગ થયેલાં મોટા માથા, તો ક્યાંક મરડાઈ ગયેલા હાથ-પગની વણઝાર! લોહીની તો જાણે નદી વહી રહી હતી. તલવાર પર સૂકાઈ ગયેલું લોહી વધુ શ્યામ અને મલિન બની ગયું હતું. તેના ઉપર માખીઓ બણબણી રહી હતી. સૂક્ષ્મ જીવો માટે તો જાણે આ જયાફત હતી!
દિતિને પોતાની જાત માટે ધૃણા નીપજી. દૈત્યજનની હોવા છતાં પોતાના સંતાનોને બચાવી ન શકવાની ગ્લાનિ તેના રોમેરોમ ફરી વળી.
ઢળતા સૂરજની સાથે જ રણભૂમિ પર પણ મૃત્યુના પડઘમ આથમી ચૂક્યા હતાં. આછા અંધકારની સંધ્યા વેળા, દૂર આકાશમાં ઉડતાં પક્ષીઓ પોતાના ભાવતાં વ્યંજનની સ્વેચ્છાએ પસંદગી કરતા હોય એમ ચકરાવો લઈ રહ્યા હતાં.
એકાએક દિતિનો પગ લોહીના ખાબોચિયામાં પડ્યો. લોહીનો સ્પર્શ થતાંવેંત હજારો સર્પોએ જાણે એકીસાથે ડંખ દીધો હોય એટલી પીડાથી દિતિ કણસી ઉઠી. પોતાનું જ રૂધિર! પોતાનો જ અંશ! પગની પાની ધીરે ધીરે રક્તકંકણમાં ખૂંપવા લાગી. બાજુમાં જ આહત થઈને કણસી રહેલાં પુત્રએ હાથ લંબાવીને પોતાનામાં જેટલી ઊર્જા શેષ બચી હતી, એ ખર્ચીને દિતિને એમાંથી બહાર કાઢી. લોહીથી તરબોળ થઈ ચૂકેલાં વસ્ત્રોમાં ઊભેલી દિતિ બિહામણી લાગી રહી હતી. હજુ તો એ ઝૂકીને પોતાના પુત્રના ગાલે હાથ ફેરવવા જાય એ પહેલાં હળવી આંચકી સાથે તે મૃત્યુ પામ્યો.
દિતિના હાથમાં તેના પુત્રની આંગળીના અંકોડા ગૂંથાયેલા રહ્યા. નિષ્પ્રાણ શરીરની સાથે એ અંકોડા પણ ઢીલા પડ્યા અને હળવેકથી જમીન પર ફસડાયા. દિતિના હાથમાંથી તાજા લોહીની વાસ આવવાની શરૂ થઈ. તેની ઘેરાયેલી આંખોમાંથી એક અશ્રુબિંદુ ધરા પર પડેલા લોહીમાં મિશ્રિત થઈ ગયું.
આર્યાવર્તના પુનરૂદ્ધારની ભાવના ફક્ત લોહીતરસ્યું સ્વપ્ન બનીને રહી ગઈ હતી.
દિતિના પગ હવે થાક્યા. સર્વત્ર વ્યાપેલ રક્તને કારણે તેના શરીરની કોશિકાઓ પણ નિરાશામાં ગરકાવ થઈને જવાબ આપી ચૂકી હતી. ક્ષણે-ક્ષણે દિતિ પ્રકૃતિ સાથે ઐક્ય સાધીને મનોમન તેને પ્રશ્નો પૂછી રહી હતી.
તેનું માથું ભમવા લાગ્યું. વિચાર અને વ્યથાના વાવાઝોડાએ તેના ચિત્તને ખેદાનમેદાન કરી નાખવામાં કોઈ કસર નહોતી છોડી. દૂરથી દોડીને આવેલી એક સ્ત્રી-આકૃતિએ તેના ખભે હાથ મૂક્યો.
‘મા..’ માયાનો ચિર-પરિચિત અવાજ દિતિના કાને પડ્યો.
કપાળ પર બે નેણની વચ્ચોવચ સહેજ ઉપરના ભાગે પ્રાકૃતિક સર્પચિહ્ન ધરાવતી માયાની લીલા રંગની આંખોમાં ભીનાશ છવાઈ. જનેતાની હાલત તેનાથી જોઈ ન શકાઈ. દિતિને ખ્યાલ ન આવે એમ તેણે બીજી દિશામાં ગરદન ફેરવીને ડૂસકું મૂક્યું. રાજભવનમાં સૈનિકો પાસેથી દિતિના યુદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કરવાના સમાચાર સાંભળીને તેણે દોટ મૂકી હતી. પોતાના ભાઈઓની આવી દુર્દશા જોઈને તેના હ્રદયના ટુકડે-ટુકડા થઈ ગયા હતાં.
‘માયા.. તારા ભાઈઓ..!’ દિતિના ગળે ડૂમો ભરાઈ ગયો, મોહને હું ક્યારેય માફ નહીં કરી શકું.’
તે ઘણું કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો જાણે બંધિયાર પાણીમાં ગોંધાઈ ગયા હતાં.
‘મોહનો વાંક નથી, મા... ઇન્દ્રની કાનભંભેરણીથી પ્રેરાઈને તે પોતાનો વિવેક ચૂક્યો અને આ મહાસંગ્રામ રચાયો. સત્તાની લાલસામાં છળ અને કપટનો આશરો લઈને ઇન્દ્રે દૈત્યવંશના ભોળા સપુતોને પોતાની ધૃણાનો શિકાર બનાવ્યા. આ બધું પોતાના કારણે થયું છે, એ જાણીને મોહ તો હવે આત્મવિલોપન કરવા માંગે છે. આપે મહેલમાં આવીને એમને સંભાળવા પડશે, નહીંતર...’ આગળનું વાક્ય માયા પૂરું ન કરી શકી.
‘માયા... મા...’ રથના પૈડાં નીચે કચડાયેલાં દૈત્યએ હાંફતા હાંફતા પોતાની બહેન અને માતાને સંબોધન કર્યુ. માયાએ કહેલી વાત સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ એમનાથી પાંચ કદમ દૂર પડેલાં એક ભાંગેલા-તૂટેલાં રથના પૈડાં નીચેથી આદ્ર સ્વર સંભળાયો.
દિતિ અને માયાએ દોડીને તેના દેહ પરથી રથનો ભાર હટાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધાં.
‘નહીં મા.. શાંત થાઓ!’ દિતિપુત્રને પોતાની અંતિમ પળોનો આભાસ થઈ ગયો હતો. આમ છતાં દિતિ અટકવાનું નામ નહોતી લઈ રહી. તેણે પુત્રનો હાથ ખેંચીને તેને રથ નીચેથી બહાર કાઢવા માટે શક્ય એટલું બળ લગાવ્યું.
‘આહ...’ પીઠ પરથી ઊખડી ગયેલી ચામડી સાથે ચોંટી ગયેલા રથના પૈડાંને ખસેડવાની કોશિશ કરતાં જ દિતિપુત્ર ચિત્કારી ઉઠ્યો. તેની ચીસ દિતિના કાનમાં ધગધગતા સીસુની માફક રેડાઈ.
‘પુત્ર...’ દિતિએ પોતાના નવયુવાન દીકરાનું માથું ખોળામાં લઈને તેના કપાળ પર એક ચૂમી ભરી.
‘ઇન્દ્રએ એના કર્મનું ફળ ભોગવવું પડશે. હું આ સમષ્ટિને એક એવા વિષચક્રમાં બાંધી લઈશ, જેમાંથી બહાર નીકળવા માટે દેવવંશ પણ સક્ષમ નહીં હોય.’ દિતિના મુખમાંથી ક્રોધાગ્નિ સ્વરૂપ શબ્દો નીકળ્યા. રડીને સોજી ગયેલી તેની આંખોમાંથી તીખારા વરસી રહ્યા હતાં. બ્રહ્માંડનો સર્વનાશ કરી શકવા માટે સક્ષમ દિતિ કોઈપણ ભોગે દેવવંશ સામે પોતાનો પ્રતિશોધ લેવા માટે આતુર બની હતી.
‘દૈત્યજનની... વધુ એક અનર્થ ન થાય એ માટે પહેલાં મારી અરજ સાંભળો.’
દિતિની આંખોમાં ફરી વખત વહાલ ઉભરાઈ આવ્યું.
‘દાનવવંશ હંમેશાથી પોતાના કાર્યને લીધે દેવતાઓની સરખામણીમાં મુઠ્ઠી ઊંચેરો સાબિત થયો છે. જીવનભર આદરેલાં અમારા આ સદ્કાર્યને શું આપ વિફળ થતું જોવા ઇચ્છો છો? દાનવોને મહાન બનાવનારું પરિબળ એનું કર્મ છે.’ દિતિપુત્રના શ્વાસ ધીમા પડી રહ્યા હતાં.
‘માનવજાત અમારી તરફ નફરતભાવથી જુએ એ આપને મંજૂર છે? ઇન્દ્ર આ જ તો ઇચ્છે છે, મા! તેની મલિન મહત્વાકાંક્ષાઓની ખેવના છે કે માનવજાત દાનવવંશને અનંતકાળ સુધી દૂષિત અને ધૃણાભરી નજરોથી જુએ. આપનો શાપ એની આ મહેચ્છાના યજ્ઞમાં ઘી હોમવાનું કામ કરશે. દાનવવંશના ઉદ્ધાર માટે મને નહીં, પરંતુ સમગ્ર દાનવાધિપત્યને કાળરથના પૈડાં નીચે કચડાતું બચાવો, મા... આ કાર્ય ફક્ત આપનાથી જ થઈ શકે એમ છે.’ આટલું બોલતાંની સાથે જ તેણે પોતાના પ્રાણ ત્યજી દીધા.
પોતાના શિકારની શોધ પૂર્ણ થઈ હોય એમ આકાશમાં ચકરાવો લેતાં ગીધે ઝપટ મારીને દિતિપુત્રના ગળા પરના માંસને પોતાની તીણી ચાંચથી કાપી લીધું.
એક તરફ માંસનો ટુકડો મોંમાં રાખીને તે પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડ્યું અને બીજી બાજુ ગળાની ધોરી નસમાંથી પસાર થતાં વેગીલા રક્તનો છંટકાવ દિતિના ચહેરા પર થયો.
દિતિનું આક્રંદ ચારેકોર રેલાઈ ઉઠ્યું. અત્યાર સુધી પરાણે પોતાના અશ્રુ રોકીને બેઠેલી માયા પણ બે હાથ વચ્ચે ચહેરો ઢાંકીને હીબકાં ભરવા લાગી. પુત્રના મસ્તકને જમીન પર સૂવડાવીને કાળી ચીસો પાડતી દિતિ ઊભી થઈ. માયાને સમજાઈ ગયું હતું કે માતાને હવે કોઈ કાળે રોકી શકવા સંભવ નથી.
દિતિના અંતરનો ઉકળાટ અને સમસ્ત સૃષ્ટિની આજીજીના પડઘા વૈકુંઠ સુધી લંબાયા. પોતાના પર તોળાઈ રહેલાં ખતરાનો સામનો કરવા માટે પૃથ્વી સજ્જ બની. શંખનાદ સમો અ-શુભોધ્વનિ દિતિના મુખેથી સંભળાયો,
‘અરે તુચ્છ ઇન્દ્ર! દેવવંશના ઓછાયા હેઠળ છુપાયેલાં એ પામર જીવ! પુત્રવચનથી બંધાયેલી હોવાને કારણે હું તને શાપ તો નહીં આપુ, પરંતુ મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આર્યાવર્ત પરથી દાનવશાસનનું નામોનિશાન ભૂંસવા માટે તે જે અપરાધ કર્યો છે તે અક્ષમ્ય છે.
સત્તાના મોહમાં ધૂત બનેલા અભિમાની ઇન્દ્ર... આર્યાવર્તના ચારિત્ર્યવાન અને સુશીલ મનુષ્યો પર આધિપત્ય જમાવવા માટે તે બધી જ મર્યાદાઓ ઓળંગી દીધી છે. પરંતુ આ પૃથ્વી હવે પહેલાં જેવી કદાપિ નહીં રહે. મારા આઠ સંતાનો કામ, ક્રોધ, મોહ, માયા, રાગ, દ્વેષ, ઈર્ષા અને મદ સમસ્ત આર્યાવર્તના મનુષ્યોમાં પોતાનું અલાયદું સ્થાન બનાવશે. આંતરમનના ગર્ભિત ખૂણે એમનો વસવાટ હશે.
યજ્ઞાદિ હોમહવનમાં દેવતાઓની આહુતિ અપાતી હોવા છતાં આ પૃથ્વી વધુ ને વધુ મલિન બનતી જશે. લોભ અને લાલસામાં મનુષ્યો એકબીજાને અકારણ મારી નાંખતા પણ નહીં અચકાય. એક સમય એવો આવશે જ્યારે દેવતાઓએ આર્યાવર્ત છોડીને હંમેશા માટે અમરાવતીમાં સ્થળાંતર કરવું પડશે. ઋષિ-મુનિઓ અને સંતોની આ ધરતી પર મહાયુદ્ધો આકાર લેશે, જેને રોકી શકવાની ક્ષમતા સ્વયં દેવતાઓમાં પણ નહીં હોય.
મારા પુત્ર કળિને રાજસિંહાસન પર આરૂઢ થતાં ન જોઈ શકનાર, હે તુંડમિજાજી ઇન્દ્ર! આજથી લાખો વર્ષ બાદ કળિયુગ આવશે... જરૂર આવશે! અને એ વખતે કળિ રાજા સ્વરૂપે સિંહાસન પર નહીં, પરંતુ વિકાર બનીને મનુષ્યોના ચિત્ત પર શાસન કરશે, જેની જવાબદારી હું મારા સૌથી માનીતાં પુત્ર વિકારને સોંપી રહી છું. વિકારનો ભોગ સ્વયં ઇશ્વરે પણ બનવું પડશે.
અમરાવતીની રાજગાદી પર બેસવા જઈ રહેલાં દુરાચારી ઇન્દ્ર, તારા રાજ્યાભિષેકની પૂર્વસંધ્યાએ પુત્રવિયોગથી આહત થયેલી માતાના હ્રદયમાંથી નીકળેલા શબ્દો સ્વપ્નમાં પણ મિથ્યા સાબિત નહીં થાય...’
ચૌદ લોક અને ત્રિભુવન દૈત્યજનની દિતિની ભવિષ્યવાણી સાંભળીને હચમચી ગયા. સમય શ્વાસ રોકીને થંભી ગયો. અંતરથી નિર્જન થઈ ચૂકેલી દિતિ મૂર્છિત થઈને જમીન પર ફસડાઈ પડી.
----------------------
મહા-અસુર શ્રેણી (ભાગ-૧) ‘મૃત્યુંજય’માંથી એક અંશ💐
શ્રાવણ મહિનો પૂરો થવાને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમારી વિશેષ ઑફરનો લાભ જો હજુ સુધી તમે ન ઉઠાવી શક્યા હો તો અત્યારે તક છે. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે.
નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે.
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી લાશોના ઢગલા પથરાયેલા હતાં. નશામાં ચકચૂર થઈને આડેધડ થયેલાં નરસંહાર અને મરણચીસોની તીવ્રતા હજુ પણ પેટાળ ચીરીને વાતાવરણમાં પડઘાઈ રહી હતી. આકાશનો રંગ બદલાઈને રક્તવર્ણો થઈ ગયો હતો. વિખેરાઈ ચૂકેલાં સંબંધો અને ધૂંધળી થઈ ચૂકેલી આવતીકાલ રણભૂમિમાં વિલાપ કરી રહ્યા હતાં. એમનું મૂક રૂદન સમગ્ર આર્યાવર્તને બોઝિલ બનાવતું હતું. તલવાર, ભાલા, કટાર, ફરસી, ઝેરીલા તીર સહિતના તમામ ઘાતક શસ્ત્રો યુદ્ધભૂમિ પર આમથી તેમ ગોથાં ખાઈ રહ્યા હતાં. સ્વજનોના હાથે સંબંધોમાં થયેલાં છેદ-વિચ્છેદને કારણે તેમની તેજસ્વિતા જાણે હણાઈ ચૂકી હતી. વર્ષોથી ચાલી રહેલાં આ સંહારમાં હજુ કેટલા ખપ્પર હોમાશે એ નક્કી કરવું અઘરું હતું. દિતિનું કાળજું કલ્પાંત કરી રહ્યું હતું. પોતાના નીચલા હોઠને દાંત વડે ભીંસીને તેણે અશ્રુના ઘોડાપૂરને કાબૂમાં રાખ્યા હતાં. એના મૃદુ હોઠ પરથી લોહી વહેવાનું ક્યારે શરૂ થયું એની દિતિને સૂધબૂધ ન રહી. દૈત્યવંશના લોહી નીતરતાં મૃતદેહો અને અંતિમ શ્વાસ ગણી રહેલાં મૃતઃપાય સંતાનોના ઢગ વચ્ચેથી પસાર થનારી કેડી દિતિને અત્યંત દુર્ગમ પ્રતીત થઈ રહી હતી. આમ છતાં મન પર ભારે ભરખમ શિલા મૂકીને તેણે સાચવીને ચાલવાનું શરૂ કર્યુ. ક્યાંક ધડથી અલગ થયેલાં મોટા માથા, તો ક્યાંક મરડાઈ ગયેલા હાથ-પગની વણઝાર! લોહીની તો જાણે નદી વહી રહી હતી. તલવાર પર સૂકાઈ ગયેલું લોહી વધુ શ્યામ અને મલિન બની ગયું હતું. તેના ઉપર માખીઓ બણબણી રહી હતી. સૂક્ષ્મ જીવો માટે તો જાણે આ જયાફત હતી! દિતિને પોતાની જાત માટે ધૃણા નીપજી. દૈત્યજનની હોવા છતાં પોતાના સંતાનોને બચાવી ન શકવાની ગ્લાનિ તેના રોમેરોમ ફરી વળી. ઢળતા સૂરજની સાથે જ રણભૂમિ પર પણ મૃત્યુના પડઘમ આથમી ચૂક્યા હતાં. આછા અંધકારની સંધ્યા વેળા, દૂર આકાશમાં ઉડતાં પક્ષીઓ પોતાના ભાવતાં વ્યંજનની સ્વેચ્છાએ પસંદગી કરતા હોય એમ ચકરાવો લઈ રહ્યા હતાં. એકાએક દિતિનો પગ લોહીના ખાબોચિયામાં પડ્યો. લોહીનો સ્પર્શ થતાંવેંત હજારો સર્પોએ જાણે એકીસાથે ડંખ દીધો હોય એટલી પીડાથી દિતિ કણસી ઉઠી. પોતાનું જ રૂધિર! પોતાનો જ અંશ! પગની પાની ધીરે ધીરે રક્તકંકણમાં ખૂંપવા લાગી. બાજુમાં જ આહત થઈને કણસી રહેલાં પુત્રએ હાથ લંબાવીને પોતાનામાં જેટલી ઊર્જા શેષ બચી હતી, એ ખર્ચીને દિતિને એમાંથી બહાર કાઢી. લોહીથી તરબોળ થઈ ચૂકેલાં વસ્ત્રોમાં ઊભેલી દિતિ બિહામણી લાગી રહી હતી. હજુ તો એ ઝૂકીને પોતાના પુત્રના ગાલે હાથ ફેરવવા જાય એ પહેલાં હળવી આંચકી સાથે તે મૃત્યુ પામ્યો. દિતિના હાથમાં તેના પુત્રની આંગળીના અંકોડા ગૂંથાયેલા રહ્યા. નિષ્પ્રાણ શરીરની સાથે એ અંકોડા પણ ઢીલા પડ્યા અને હળવેકથી જમીન પર ફસડાયા. દિતિના હાથમાંથી તાજા લોહીની વાસ આવવાની શરૂ થઈ. તેની ઘેરાયેલી આંખોમાંથી એક અશ્રુબિંદુ ધરા પર પડેલા લોહીમાં મિશ્રિત થઈ ગયું. આર્યાવર્તના પુનરૂદ્ધારની ભાવના ફક્ત લોહીતરસ્યું સ્વપ્ન બનીને રહી ગઈ હતી. દિતિના પગ હવે થાક્યા. સર્વત્ર વ્યાપેલ રક્તને કારણે તેના શરીરની કોશિકાઓ પણ નિરાશામાં ગરકાવ થઈને જવાબ આપી ચૂકી હતી. ક્ષણે-ક્ષણે દિતિ પ્રકૃતિ સાથે ઐક્ય સાધીને મનોમન તેને પ્રશ્નો પૂછી રહી હતી. તેનું માથું ભમવા લાગ્યું. વિચાર અને વ્યથાના વાવાઝોડાએ તેના ચિત્તને ખેદાનમેદાન કરી નાખવામાં કોઈ કસર નહોતી છોડી. દૂરથી દોડીને આવેલી એક સ્ત્રી-આકૃતિએ તેના ખભે હાથ મૂક્યો. ‘મા..’ માયાનો ચિર-પરિચિત અવાજ દિતિના કાને પડ્યો. કપાળ પર બે નેણની વચ્ચોવચ સહેજ ઉપરના ભાગે પ્રાકૃતિક સર્પચિહ્ન ધરાવતી માયાની લીલા રંગની આંખોમાં ભીનાશ છવાઈ. જનેતાની હાલત તેનાથી જોઈ ન શકાઈ. દિતિને ખ્યાલ ન આવે એમ તેણે બીજી દિશામાં ગરદન ફેરવીને ડૂસકું મૂક્યું. રાજભવનમાં સૈનિકો પાસેથી દિતિના યુદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કરવાના સમાચાર સાંભળીને તેણે દોટ મૂકી હતી. પોતાના ભાઈઓની આવી દુર્દશા જોઈને તેના હ્રદયના ટુકડે-ટુકડા થઈ ગયા હતાં. ‘માયા.. તારા ભાઈઓ..!’ દિતિના ગળે ડૂમો ભરાઈ ગયો, મોહને હું ક્યારેય માફ નહીં કરી શકું.’ તે ઘણું કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો જાણે બંધિયાર પાણીમાં ગોંધાઈ ગયા હતાં. ‘મોહનો વાંક નથી, મા... ઇન્દ્રની કાનભંભેરણીથી પ્રેરાઈને તે પોતાનો વિવેક ચૂક્યો અને આ મહાસંગ્રામ રચાયો. સત્તાની લાલસામાં છળ અને કપટનો આશરો લઈને ઇન્દ્રે દૈત્યવંશના ભોળા સપુતોને પોતાની ધૃણાનો શિકાર બનાવ્યા. આ બધું પોતાના કારણે થયું છે, એ જાણીને મોહ તો હવે આત્મવિલોપન કરવા માંગે છે. આપે મહેલમાં આવીને એમને સંભાળવા પડશે, નહીંતર...’ આગળનું વાક્ય માયા પૂરું ન કરી શકી. ‘માયા... મા...’ રથના પૈડાં નીચે કચડાયેલાં દૈત્યએ હાંફતા હાંફતા પોતાની બહેન અને માતાને સંબોધન કર્યુ. માયાએ કહેલી વાત સમજવાનો પ્રયત્ન કરે એ પહેલાં જ એમનાથી પાંચ કદમ દૂર પડેલાં એક ભાંગેલા-તૂટેલાં રથના પૈડાં નીચેથી આદ્ર સ્વર સંભળાયો. દિતિ અને માયાએ દોડીને તેના દેહ પરથી રથનો ભાર હટાવવા માટેના પ્રયાસ શરૂ કરી દીધાં. ‘નહીં મા.. શાંત થાઓ!’ દિતિપુત્રને પોતાની અંતિમ પળોનો આભાસ થઈ ગયો હતો. આમ છતાં દિતિ અટકવાનું નામ નહોતી લઈ રહી. તેણે પુત્રનો હાથ ખેંચીને તેને રથ નીચેથી બહાર કાઢવા માટે શક્ય એટલું બળ લગાવ્યું. ‘આહ...’ પીઠ પરથી ઊખડી ગયેલી ચામડી સાથે ચોંટી ગયેલા રથના પૈડાંને ખસેડવાની કોશિશ કરતાં જ દિતિપુત્ર ચિત્કારી ઉઠ્યો. તેની ચીસ દિતિના કાનમાં ધગધગતા સીસુની માફક રેડાઈ. ‘પુત્ર...’ દિતિએ પોતાના નવયુવાન દીકરાનું માથું ખોળામાં લઈને તેના કપાળ પર એક ચૂમી ભરી. ‘ઇન્દ્રએ એના કર્મનું ફળ ભોગવવું પડશે. હું આ સમષ્ટિને એક એવા વિષચક્રમાં બાંધી લઈશ, જેમાંથી બહાર નીકળવા માટે દેવવંશ પણ સક્ષમ નહીં હોય.’ દિતિના મુખમાંથી ક્રોધાગ્નિ સ્વરૂપ શબ્દો નીકળ્યા. રડીને સોજી ગયેલી તેની આંખોમાંથી તીખારા વરસી રહ્યા હતાં. બ્રહ્માંડનો સર્વનાશ કરી શકવા માટે સક્ષમ દિતિ કોઈપણ ભોગે દેવવંશ સામે પોતાનો પ્રતિશોધ લેવા માટે આતુર બની હતી. ‘દૈત્યજનની... વધુ એક અનર્થ ન થાય એ માટે પહેલાં મારી અરજ સાંભળો.’ દિતિની આંખોમાં ફરી વખત વહાલ ઉભરાઈ આવ્યું. ‘દાનવવંશ હંમેશાથી પોતાના કાર્યને લીધે દેવતાઓની સરખામણીમાં મુઠ્ઠી ઊંચેરો સાબિત થયો છે. જીવનભર આદરેલાં અમારા આ સદ્કાર્યને શું આપ વિફળ થતું જોવા ઇચ્છો છો? દાનવોને મહાન બનાવનારું પરિબળ એનું કર્મ છે.’ દિતિપુત્રના શ્વાસ ધીમા પડી રહ્યા હતાં. ‘માનવજાત અમારી તરફ નફરતભાવથી જુએ એ આપને મંજૂર છે? ઇન્દ્ર આ જ તો ઇચ્છે છે, મા! તેની મલિન મહત્વાકાંક્ષાઓની ખેવના છે કે માનવજાત દાનવવંશને અનંતકાળ સુધી દૂષિત અને ધૃણાભરી નજરોથી જુએ. આપનો શાપ એની આ મહેચ્છાના યજ્ઞમાં ઘી હોમવાનું કામ કરશે. દાનવવંશના ઉદ્ધાર માટે મને નહીં, પરંતુ સમગ્ર દાનવાધિપત્યને કાળરથના પૈડાં નીચે કચડાતું બચાવો, મા... આ કાર્ય ફક્ત આપનાથી જ થઈ શકે એમ છે.’ આટલું બોલતાંની સાથે જ તેણે પોતાના પ્રાણ ત્યજી દીધા. પોતાના શિકારની શોધ પૂર્ણ થઈ હોય એમ આકાશમાં ચકરાવો લેતાં ગીધે ઝપટ મારીને દિતિપુત્રના ગળા પરના માંસને પોતાની તીણી ચાંચથી કાપી લીધું. એક તરફ માંસનો ટુકડો મોંમાં રાખીને તે પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડ્યું અને બીજી બાજુ ગળાની ધોરી નસમાંથી પસાર થતાં વેગીલા રક્તનો છંટકાવ દિતિના ચહેરા પર થયો. દિતિનું આક્રંદ ચારેકોર રેલાઈ ઉઠ્યું. અત્યાર સુધી પરાણે પોતાના અશ્રુ રોકીને બેઠેલી માયા પણ બે હાથ વચ્ચે ચહેરો ઢાંકીને હીબકાં ભરવા લાગી. પુત્રના મસ્તકને જમીન પર સૂવડાવીને કાળી ચીસો પાડતી દિતિ ઊભી થઈ. માયાને સમજાઈ ગયું હતું કે માતાને હવે કોઈ કાળે રોકી શકવા સંભવ નથી. દિતિના અંતરનો ઉકળાટ અને સમસ્ત સૃષ્ટિની આજીજીના પડઘા વૈકુંઠ સુધી લંબાયા. પોતાના પર તોળાઈ રહેલાં ખતરાનો સામનો કરવા માટે પૃથ્વી સજ્જ બની. શંખનાદ સમો અ-શુભોધ્વનિ દિતિના મુખેથી સંભળાયો, ‘અરે તુચ્છ ઇન્દ્ર! દેવવંશના ઓછાયા હેઠળ છુપાયેલાં એ પામર જીવ! પુત્રવચનથી બંધાયેલી હોવાને કારણે હું તને શાપ તો નહીં આપુ, પરંતુ મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આર્યાવર્ત પરથી દાનવશાસનનું નામોનિશાન ભૂંસવા માટે તે જે અપરાધ કર્યો છે તે અક્ષમ્ય છે. સત્તાના મોહમાં ધૂત બનેલા અભિમાની ઇન્દ્ર... આર્યાવર્તના ચારિત્ર્યવાન અને સુશીલ મનુષ્યો પર આધિપત્ય જમાવવા માટે તે બધી જ મર્યાદાઓ ઓળંગી દીધી છે. પરંતુ આ પૃથ્વી હવે પહેલાં જેવી કદાપિ નહીં રહે. મારા આઠ સંતાનો કામ, ક્રોધ, મોહ, માયા, રાગ, દ્વેષ, ઈર્ષા અને મદ સમસ્ત આર્યાવર્તના મનુષ્યોમાં પોતાનું અલાયદું સ્થાન બનાવશે. આંતરમનના ગર્ભિત ખૂણે એમનો વસવાટ હશે. યજ્ઞાદિ હોમહવનમાં દેવતાઓની આહુતિ અપાતી હોવા છતાં આ પૃથ્વી વધુ ને વધુ મલિન બનતી જશે. લોભ અને લાલસામાં મનુષ્યો એકબીજાને અકારણ મારી નાંખતા પણ નહીં અચકાય. એક સમય એવો આવશે જ્યારે દેવતાઓએ આર્યાવર્ત છોડીને હંમેશા માટે અમરાવતીમાં સ્થળાંતર કરવું પડશે. ઋષિ-મુનિઓ અને સંતોની આ ધરતી પર મહાયુદ્ધો આકાર લેશે, જેને રોકી શકવાની ક્ષમતા સ્વયં દેવતાઓમાં પણ નહીં હોય. મારા પુત્ર કળિને રાજસિંહાસન પર આરૂઢ થતાં ન જોઈ શકનાર, હે તુંડમિજાજી ઇન્દ્ર! આજથી લાખો વર્ષ બાદ કળિયુગ આવશે... જરૂર આવશે! અને એ વખતે કળિ રાજા સ્વરૂપે સિંહાસન પર નહીં, પરંતુ વિકાર બનીને મનુષ્યોના ચિત્ત પર શાસન કરશે, જેની જવાબદારી હું મારા સૌથી માનીતાં પુત્ર વિકારને સોંપી રહી છું. વિકારનો ભોગ સ્વયં ઇશ્વરે પણ બનવું પડશે. અમરાવતીની રાજગાદી પર બેસવા જઈ રહેલાં દુરાચારી ઇન્દ્ર, તારા રાજ્યાભિષેકની પૂર્વસંધ્યાએ પુત્રવિયોગથી આહત થયેલી માતાના હ્રદયમાંથી નીકળેલા શબ્દો સ્વપ્નમાં પણ મિથ્યા સાબિત નહીં થાય...’ ચૌદ લોક અને ત્રિભુવન દૈત્યજનની દિતિની ભવિષ્યવાણી સાંભળીને હચમચી ગયા. સમય શ્વાસ રોકીને થંભી ગયો. અંતરથી નિર્જન થઈ ચૂકેલી દિતિ મૂર્છિત થઈને જમીન પર ફસડાઈ પડી. ---------------------- મહા-અસુર શ્રેણી (ભાગ-૧) ‘મૃત્યુંજય’માંથી એક અંશ💐 શ્રાવણ મહિનો પૂરો થવાને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમારી વિશેષ ઑફરનો લાભ જો હજુ સુધી તમે ન ઉઠાવી શક્યા હો તો અત્યારે તક છે. ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે. નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે.